Monday, 28 March 2016



સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.
આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાતવસી જઇયે.
એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.
આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.
ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.
 – રાજેન્દ્ર શુકલ

એ બાળપણ માં જીવી લેવાનું મન થાય છે ….

Image result for બાળક ના ફોટા

વળી ,આજ છબછબીયા કરવાનું મન થાય છે ,
જંજટ પળોજણો થી ભાગી જવાનું મન થાય છે ,
અધૂરા કિસ્સા ઓ પુરા કરવાનું મન થાય છે,
ફરી એ બાળપણ જીવી લેવાનું મન થાય છે .
જીવન ને ભરતી થી ઓટ માં લઇ જવાનું મન થાય છે,
દુખો ને દુર કરી ખુશીયો માં આળોટવાનું મન થાય છે,
કડવાટ બધી ખંખેરી, મીઠાશ ઘોળવાનું મન થાય છે ,
ફરી એ બાળપણ જીવી લેવાનું મન થાય છે .
એ મીઠી પળો યાદ કરી જીવી લેવાનું મન થાય છે ,
ફરી ફ્લેશ બેક માં જઈ ચડવાનું મન થાય છે ,
વળી,ખાબોચિયા માં હોડી તરાવવાનું નું મન થાય છે
ફરી એ બાળપણ જીવી લેવાનું મન થાય છે .
રેતી ના ઢગલા માં ફરી છીપલાં શોધવાનું મન થાય છે ,
વળી , ચોકલેટ માટે જીદ કરી રડવાનું મન થાય છે,
કીટ્ટા ને બુચ્ચા વળી રમત રમવાનું મન થાય છે ,
ફરી એ બાળપણ જીવી લેવાનું મન થાય છે .
નથી જોઈતું પાછુ છતા ‘કૃતિ’ ને એ બાળપણ માં જીવી લેવાનું મન થાય છે ..


પંખી ઓ માળે પાછા ફર્યા કે સાંજ પડી….

Image result for પંખી ના ફોટા

પંખી ઓ માળે પાછા ફર્યા કે સાંજ પડી ,
સુરજે કીધી અલવિદા કે પાછી સાંજ પડી ,
સોનેરી રંગો આભ માં ભળ્યા કે પાછી સાંજ પડી ,
કાળી રાતે કર્યા પાછા ટકોરા કે સાંજ પડી .
મંદિરે ઝાલર વાગી કે પાછી સાંજ પડી ,
સંધ્યા ,ઉષા એક મેક માં ભળી કે સાંજ પડી .
કોલાહલ પાછી શાંત પડી કે સાંજ પડી .
આજ ની પળોજણ પૂરી થઇ કે સાંજ પડી .
દસ્તક નવા કિરણે દીધી કે પછી સાંજ પડી
એકલતા પાછી ‘કૃતિ’ માં ઢળી કે સાંજ પડી ,
:- કૃતિ (૧૦/૦૭ /૨૦૧૨)

Thursday, 24 March 2016

મોતની ય બાદ તારી ઝંખના 
 
Image result for જન્નત 
 
મોતની  ય  બાદ   તારી   ઝંખના   કરતો   રહ્યો
કે  તું  જન્નતમાં  મળે  એવી  દુઆ  કરતો  રહ્યો

જો  તું  જાણે  તો  ભરી  મહેફિલ  તજીને સાથ દે
એવી   એકલતાભરી  મારી   દશા   કરતો  રહ્યો

એ હતો એક  મોહ  કે  રહેશું  જીવનભર  સાથમાં
પ્રેમ  તો  એ  છે  જે  આપણને  જુદા  કરતો રહ્યો

મેં  બુરા ખ્યાલો ય રાખ્યા,  ને અમલ પણ ના કર્યો
પાપની  ને   પુણ્યની   ભેગી  મજા   કરતો  રહ્યો

ક્યાં  અનુભવ  જિંદગીના,   ક્યાં  કવિતાનો નશો
ઝેર  જે   મળતું  ગયું,   એની  સુરા  કરતો  રહ્યો

ન્યાય  પણ ‘બેફામ’  આ પાપી યુગે  અવળો  કર્યો
પુણ્ય   મેં  જે  જે  કર્યાં   એની  સજા કરતો રહ્યો

-બરકત વિરાણી ‘બેફામ’

Tuesday, 22 March 2016

    ગોરમા ને............


ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ
માંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ
ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ
મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ
સૈ, મારી ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ
લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ
                             
                                               – રમેશ પારેખ (૨૬ સપ્ટેમ્બર, ૧૯૬૮)

Sunday, 20 March 2016

ટચલી આંગલડીનો નખ – વિનોદ જોશી

Image result for kudrati villages ladies painting images 

                                                   ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન !
મુંને એકવાર કાગળ તો લખ
કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું ?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન !
હવે લૂછી દે પાંપણનાં દખ
છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા ?
છાલક ના જાય જરી વેઠી, સજન !
હવે ઘોળી દે ઘૂઘવતાં વખ
                                     – વિનોદ જોશી

Saturday, 19 March 2016

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

Image result for ઘર ના પ્રાકૃતિક ફોટો

સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.
મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ધર સુધી.
શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.
આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.
મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.
મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
-’બેફામ’