Wednesday, 1 April 2015

                     એક ઝાડ માથે ઝુમખડું


એક ઝાડ માથે ઝુમખડું
ઝવેરચંદ મેઘાણી 



એક ઝાડ માથે ઝુમખડું
ઝુમખડે રાતા ફૂલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો...

એક સરોવર પાળે આંબલિયો
આંબલિયે ઝૂલતી ડાળ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો...

એક આંબા ડાળે કોયલડી
એનો મીઠો મીઠો સાદ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો...

એક નરને માથે પાઘલડી
પાઘડીયે ફૂમતા લાલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો...

એક ભાલે કંકુ ચાંદલિયો
એના રાતા રાતા તેજ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો...

                           (ટેરવાં સૂરજ બની ગયાં) -મનોજ ખંડેરિયા

ટેરવાં સૂરજ બની ગયાં,
હાથને રસ્તા મળી ગયાં.
આયનો ફૂટ્યાથી શું વળ્યું !
પથ્થરો ભોંઠા પડી ગયાં.
કાળની રહી છે બરડ ત્વચા,
સ્પર્શના પડઘા શમી ગયાં.
દોસ્ત, રંગો પ્હાડના લીલા,
કાળજામાંથી નથી ગયાં.
શું ખબર એ શ્હેર ક્યાં હતું !
મીણના નકશા ગળી ગયાં.
લંગરો છૂટી ગયાં અને,
શ્વાસનાં વ્હાણો સરી ગયાં.
-મનોજ ખંડેરિયા

Sunday, 29 March 2015

aadil mansuri

        જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈહશે       

                            આદિલ મન્સૂરી

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગુંથે અને બંધાય ગઝલ;
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.
સ્વર : મનહર ઉધાસ
14989320_1868528cfe_m.jpg

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.


          


હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ – મરીઝ

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
સ્વર : મનહર ઉધાસ
1071595563_94a2fff12c_m
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.
પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.
એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.
આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.
પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.

Saturday, 28 March 2015

હું તો પૂછું કે… હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી આ ટીલડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરી-શી આંખમાં ચકમકતી કીકીઓ કોણે મઢી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પોં'ચે ત્યાં કૂંપળો કોણે કરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી ને ડોસીની ઝૂંપડી કોણે મઢી? વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી? હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દેખંતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? -સુન્દરમ્

Thursday, 26 March 2015

ગઇ કાલે કેસુડો… અને આજે ગુલ્મ્હોર…! હું તો આ નીચેનો ફોટો જોઇને જ ગુલમ્હોર ગુલમ્હોર થઇ ગયો … અને સાથે માણીએ હિતેનભાઇની એવી જ સુગંધી ગઝલ…
                                                   મળે ગુલમ્હોર એ અદાથી..... 
બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.
મળે ગુલમ્હોર એ અદાથી.....   Photo: Webshots.Com
સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.
અમે જે પાનખરોમાં વિખેરી નાંખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.
ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.
કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!
વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.
- હિતેન આનંદપરા

KESUDO KAMANGARO



કેસૂડો કામણગારો
                                              કેસૂડો કામણગારો
    
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
-સુન્દરમ્